Wednesday, July 2, 2008

તું જાણે છે બધા દુઃખની દવા છે આ કવિતામાં,
વીતેલા હર જમાનાની હવા છે આ કવિતામાં;

ખુશી-ઉન્માદ, આંસુ-દર્દ, વાતો પ્રેમ-વિરહની,
પ્રવાહો લાગણીના અવનવાં છે આ કવિતામાં;

પ્રતિકો-કલ્પનો, સંવેદનાઓ, સ્વપ્નની સાથે,
વિચારો પણ કવિના આગવાં છે આ કવિતામાં;

એ કરશે ન્યાય ને દેશે ચૂકાદો સ્પષ્ટ ને સાચો,
ધરમકાંટા સમા સો ત્રાજવા છે આ કવિતામાં;

અગર રાખી શકે તો રાખ શ્રધ્ધા શબ્દની ઉપર;
નર્યા કંકુ ને ચોખા, શ્રી સવા છે આ કવિતામાં.

Friday, January 4, 2008

જીન્દગીથી જીન્દગીની વાત કરતો જાઉં છું,
વેરને હું લાગણીથી મ્હાત કરતો જાઉં છું;

સાવ નર્યો દંભ છે જ્યાં સ્વાર્થ, અત્યાચાર છે,
ત્યાં બધે હું શબ્દથી આઘાત કરતો જાઉં છું;

મૌન મારું એકચિત્તે સાંભળે આખી સભા,
દર્દની આંસુથકી રજૂઆત કરતો જાઉં છું;

જે ઊદાસીનું અંધારું ભરબપોરે દઇ ગયાં,
એમના નામે ખુશીની રાત કરતો જાઉં છું;

હું નથી પૂરી કરી શક્તો પ્રણયની વારતા,
અંત જો આવે, ફરી શરુઆત કરતો જાઉં છું;

"પાર્થ" પરવડતી નથી કોઇની ગુલામી એ છતાં,
એક બસ એના હવાલે જાત કરતો જાઉં છું.

Thursday, January 3, 2008

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો'ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો'ક તો બોલો;

જનમ આ માનવીકેરો મળ્યો વરદાનરુપે, કે -
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો? કો'ક તો બોલો;

હ્રદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ - સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો? કો'ક તો બોલો;

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું?
અનુભવ છે અહિં કોને નશાનો, કો'ક તો બોલો;

હજારો વેદનાઓ મેં છુપાવી છે હ્રદયમાંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો'ક તો બોલો;

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો'ક તો બોલો;

અમે તો "પાર્થ" હૈયું ઠાલવી બેઠાં ગઝલરુપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો'ક તો બોલો.

Wednesday, January 2, 2008

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મ્રુગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ આટલું અંતર;

જેવો હું , એવો તું યે નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

આ અંધારા-અજવાળાની સતત ઊતરચડ,
કોણ યુગોથી ખેલે આવાં જાદૂ - મંતર?

જુઓ, કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું,
ચાલો અહિંય અટકી જઈએ, નાખો લંગર.
મુસીબતને લગાવીને ગળે, પ્યારી નથી કરવી,
જખમને ખોતરીને ચોટ ગોઝારી નથી કરવી;

અમારે હો ભલે નાતો પુરાણો વેદના સાથે,
નવી કોઈ પીડા સંગે હવે યારી નથી કરવી;

ભલે ડૂબી જતી જીવનમહીં ઈચ્છાતણી નૌકા,
અહમ્ ને પોષવા કાજે ય લાચારી નથી કરવી;

કશું ક્યાં સાંભળે છે તું, કશું પણ ક્યાં કરે છે તું?
ખુદા, તારી હવે સહેજે તરફદારી નથી કરવી;

હ્રદય તું ચેતવી દેજે મને થંભી જતા પહેલાં,
મરણની વાત પણ જાહેર અણધારી નથી કરવી;

જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં,
અરે ઓ દિલ, અમારે પ્રીત પરબારી નથી કરવી;

ભલે ને "પાર્થ", સહુ નાદાનમાં તુજને ખપાવી દે,
ન એ સમજે તો રહેવા દે, મગજમારી નથી કરવી.

Tuesday, January 1, 2008

ચહેરો બેનકાબ લઈ આવો,
કે છલકતું શબાબ લઈ આવો;

આખું આકાશ છે હથેળીમાં,
રુપનો આફતાબ લઈ આવો;

જીન્દગીની કથા લખી લઈએ,
એક કોરી કિતાબ લઈ આવો;

જોઈએ, ખોટ કોણે ખાધી છે?
લાગણીનો હિસાબ લઈ આવો;

માણવો છે ફરી નશો એવો,
એ જ જૂનો શરાબ લઈ આવો;

વાત મેં તો પૂરી કરી લીધી,
એમનો પણ જવાબ લઈ આવો;

જે હતો "પાર્થ"ની ગઝલમાંહે;
એ ફરીથી રુઆબ લઈ આવો.
જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ,
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ;

સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ;

દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ;

હ્રદય સિવાય જોઈ લો ધબકે છે બધું અહિં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ;

આવ્યો'તો તારા દર્શને પગભર થવાને કાજ,
શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?