Tuesday, April 13, 2010

આંગળી આપો તો પોંચો ઝાલશે,
મારશો ડફણાં તો સીધી હાલશે;

ઓળખી લીધી છે દુનિયાને અમે,
ઝખ્મ દેશે ને પછી પંપાળશે;

જોઇને અહી એકની માઠી દશા,
જો, બીજાઓ ફૂલશે ને ફાલશે;

બેવફાઈ હોય જો અંજામ તો,
કોણ દિલમાં પ્રેમની ઘો ઘાલશે?

કોઈ મારગ ચીન્ધનારું ક્યાં રહ્યું?
બસ, હવે જઈશું કદમ જ્યાં ચાલશે;

સૌ ફરે છે એકલા આ શહેરમાં,
ક્યાં સુધી કોઈ હાથ તારો ઝાલશે?

'પાર્થ' જે સાથે રહયાં'તા બે ઘડી;
ખોટ એની જિંદગીભર સાલશે.
ભીતરે અંકાય એવું લખ હવે,
લાગણી વંચાય એવું લખ હવે;

શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,
પાંપણો ભીંજાય એવું લખ હવે;

નફરતોની આ નદી પર પ્રેમના-
સેતુઓ સર્જાય એવું લખ હવે;

કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,
કોઈ એને ગાય, એવું લખ હવે;

નામ તારું આપમેળે થઇ જશે,
પાંચમાં પૂછાય એવું લખ હવે;

હો નવી પેઢીનો તું શાયર ભલે;
વારસો સચવાય એવું લખ હવે;

Gazal

દર્દનો દરિયો હશે કે વેદનાનું રણ હશે,
જ્યાં નજરને નાખશો ત્યાં જીંદગી વેરણ હશે;

આ ઉદાસીનું નગર છોડી જશો તો ક્યાં જશો?
જે અહીં છે એ દશા હર એકની ત્યાં પણ હશે;

એ જમાનો પણ હવે બહુ દૂર દેખાતો નથી,
જીવવા કાજે જરૂરી બેવડા ધોરણ હશે;

કોણ મારી આંખમાં ઉમ્મીદ લઇ આવી ચડે?
મન ઉપર કોના વિચારોનું સતત ભારણ હશે?

આજ એને દોરવાને હાજરી મારી નથી;
કાફલો ભટકી જવાનું એ ય એક કારણ હશે.